We The People Of India અમે ભારતના લોકો…

અમે ભારતના લોકો…

પચાસેક ઘરનાં એ નાનકડા ગામમાં આજે અનેરો ઉત્સાહ વરતાઈ રહ્યો હતો. માત્ર ચાર જ ધોરણ સુધીની નિશાળમાં એકમાત્ર માસ્તર કમ ગોર મહારાજ કમ જ્યોતિષી કમ પોલીસ પટેલ કમ સલાહકાર ના ઘેર નવાસવા જ આવેલા ઈમ્પોર્ટેડ મર્ફી રેડીઓ પર સમાચાર આવી રહ્યાં હતા કે ભારત દેશ જેને આસરે અઢી વર્ષ પહેલા અગ્રજો સ્વતંત્રતા આપી જતા રહ્યાં તે દેશ હવે પછી સંસ્થાનવાસીઓનો કે રાજા રજવાડાઓનો નહી પરંતુ પ્રજાસત્તાક બનવાનો છે. રેડીઓ પર સંભળાતા શબ્દોના અર્થો જાણે કે, સપ્તરંગી હોય તેમ તેને અત્યંત ઉત્સુકતાથી સાંભળીને પોતાના મનોરાજ્યમાં લોકશાહી રાષ્ટ્રનું મેઘધનુષ્ય ચીતરી રહ્યો હતો  એક યુવાન ભારત.. ગામનાં કણબી પરજા દેવસીનો ૧૩ ચૌદ વર્ષનો દીકરો ભારત..

અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ નું અરૂણુ પ્રભાત દેશભરમાં નવી આશા અને ઉમંગ સાથે ઊગ્યું ગામેગામ શાળાઓમાં પ્રભાતફેરી થઈ, ભાષણો થયા અને દેશના ૫૬૨ રજવાડાઓ સરદારસાહેબની કુનેહભરી રજુઆત અને પ્રજાને સાર્વભૌમ લોકશાહી આપવાની ભાવનાથી પ્રભાવિત થઈ ભારતસંઘ સાથે જોડાઈ ગયા હતા. અને અંગ્રેજોના આધિપત્યમાંથી મુક્ત થયેલા રજવાડાઓએ ભારતસંધનું આધિપત્ય સ્વીકાર્યું અને રાષ્ટ્રને સમર્પિત કરેલી ધરતી પર નવા સાર્વભૌમનો જન્મ થયો. અને આખો દિવસ રેડીઓ પર બંધારણની વિશેષતાઓ દર્શાવાતી રહી કે, ભારતદેશનાં શાસનમાં અંગ્રેજોની હાજરીમાં જ લંડનની સંસદમાં પસાર કરેલા ઈન્ડીયા ઈન્ડિપેન્ડન્સ એક્ટ ૧૯૩૫ નામના કાયદાને સ્વદેશી રૂપરંગ આપવા ૧૯૪૬ માં જ રચાયેલી બંધારણીય સભાના ૩૮૯ સભ્યોએ સર્વાનુમતે પોતાનામાંથી બનાવેલી ડ્રાફટીંગ કમિટી બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસની લાંબી મહેનતના અંતે દુનિયાભરના બંધારણનો અને અંગ્રેજોએ ઘડી કાઢેલા કાયદાને આધારરૂપ બનાવીને આ બંધારણ દેશની પ્રજાને સમર્પિત કર્યું છે. અને તેમાંયે બંધારણનું આમુખ જુદી જુદી ભાષાઓમાં વંચાતું હતું કે.. અમે ભારતના લોકો, ભારતને સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક સંસ્થાપિત કરવાનું અને તેના તમામ નાગરિકો માટે : સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય; વિચાર, અભિવ્યક્તિ, શ્રદ્ધા,ઘર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા; દરજ્જા અને તકની સમાનતા; અને તે થકી તેમનામાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક નિર્ણય કરીને, આજે તા. ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ, અમારી બંધારણસભામાં આ બંધારણ અપનાવીને તેને કાયદાનું રૂપ આપીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’

ન્યાય,સ્વતંત્રતા અને સમાનતા થકી નાગરિકોમાં પરસ્પર બંધુતાની ભાવના દૃઢ કરાશે જે થકી વ્યક્તિમાત્રનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા સધાશે.. આ સાંભળીને જ કિશોરાવસ્થામાં પા પા પગલી માંડી રહેલા ભારતનું હૃદય આનંદના અતિરેક થી છલકીને આંખમાંથી અનાયાસે જ વહી રહ્યું.. આઝાદ અને પ્રજાસત્તાક ભારતમાં વસતા એકે એક ભારતીયને માટે પ્રજાસત્તાક પર્વની ઉજવણી આનંદદાયક હતી પરંતુ તેમાંયે બંધારણના આમુખના શબ્દો સાંભળીને ભાવુક થઈ ગયેલા ભારતની સ્થિતિ કંઈક જુદી જ હતી.. નાગરિકો માટે સામાજિક, આર્થિક ને રાજકીય ન્યાય.. નાગરિક તરીકેનું ગૌરવ અને દરજ્જો અને તકની સમાનતા એ શબ્દો સાંભળતા જ ભારતનું ચિત્ત પાંચેક વર્ષ પહેલાના એક દ્રશ્યમાં સરી પડ્યું. એને યાદ આવી ગયો એ સમય જ્યારે તે માત્ર આઠેક વર્ષનો હશે, સતત ત્રણ વર્ષથી આછો વરસાદ અને કુદરતી આફતની એક પછી એક થપાટ અને સાથે ઘરમાં નવા સભ્યોના આગમનને કારણે તેના પિતા જમીનદારનો ભાગ આપી શકેલા નહી એટલું જ નહી અંગ્રેજ સરકારનું મહેસૂલ પણ ભરી શકેલા નહી. કોકે કહ્યું કે સરકારની અદાલત કે જ્યાં ગોરા જજસાહેબ ન્યાય કરે છે તેમની પાસે અરજી કરવામાં આવે અને તેમને જો તમારી રજૂઆત યોગ્ય લાગે તો કરવેરો માફ થઈ શકે છે અગર તો ઓછો થઈ શકે છે. બધી જ બાજુએ થી વખાના માર્યા ભારતના પિતા પરજા દેવસીએ ગોરા સાહેબની કોરટમાં મહેસૂલ માફીની અરજી કરવાનું નક્કી કર્યું અને પત્નીનું ઘરેણું ગીરવે મૂકીને કોર્ટમાં ગયેલા અને ત્યારે પાંચેક વર્ષના ભારતે પણ શહેરમાં જવાની જીદ કરતા તેને સાથે લીધેલો.

આજે પ્રજાસત્તાકદિને એ કિશોર ભારત એ દિવસની સમગ્ર ઘટનાને ભૂલી શકતો ન હતો જ્યારે, પિતાની આંગળી પકડી કોરટના પગથીયા ચડતા જ હિન્દી પીટીસન રાઈટરે થોડા રૂપિયા લઈ દેવું માફ કરવાની અરજી લખી દીધેલી અને જેવો તેના પિતા સાથે રજવાડી હવેલી પહેલા માળે ચાલતી કચેરીમાં પગથીયા ચડી રહ્યો હતો ત્યારે જ સંગીનભરી બંદુકવાળા હિન્દુસ્તાની પોલીસે તેના પિતાને હડસેલો મારી દીધો અને પૂરા દસ પગથીયા પોતે પણ પિતાની સાથે ગબડી પડેલો. અને પેલો પોલીસે પડ્યા પર પાટુ સમાન માં–બેન સમાણી ગાળો બોલતા કહેલું કે, ‘સાલ્લા.. ગમાર ખબર નથી પડતી કે આ દાદર નામદાર સાહેબને જવા આવવાનો ખાસ મારગ છે. આ રસ્તે થી ધરાર હાલ્યો જાય છે.’ એ દિવસે ભારતનું હૈયું કકડી ઊઠેલું અને એ બન્નેની દયનીય સ્થિતિનો વિચાર કરવા જેટલી પરિપક્વ સમજણ પણ નહોતી અને છતા આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી ગયેલો.

અને પછી જાહેર જનતાને જવાના રસ્તા પર બાપની બાંય ઝાલીને જતા જતા એ કુમળું માનસ વિચાર કરતું હતું કે, ગોરા અમલદારની ચામડી ગોરી છે અને મારા બાપુજીની શ્યામ પરંતુ એ પણ છે તો અમારા જેવા જ બે પગ, બે હાથ અને મસ્તકવાળો માણસ જ ને..! અરે મોટા ન્યાયાધીશ હોય તો શું તેટલા માત્રથી તેના માટે દાદરો અલગ રાખવાનો..? આ માણસ કે જે ન્યાયાધીશ છે તે શું બધા જાય છે તે રસ્તે જઈ ના શકે..? અને ન્યાયાધીશ જો ભગવાન જ હોય તો બા કહેતી હતી કે.. રામ તો ચૌદ વર્ષ સુધી વનવાસી રહી સામાન્ય માણસ જેવું જ જીવન તેવી જ રીતે જીવેલા અને કૃષ્ણ તો વળી, સાંદીપની ઋષિના આશ્રમમાં બધાની સાથે બધાની જેમ જ ઊછરેલા હતા. હજી એના કુમળા મનમાં ન્યાયાધીશ માટે અલાયદો દરવાજો, અલાયદી વ્યવસ્થા અલાયદો દાદરો એ બધું ગળે ઊતરતું નહોતું. એ વિચારી રહ્યો હતો કોરટમાં ઊંચા આસને બેસનાર ગોરા અમલદાર બુદ્ધિશાળી હશે તો શું મારા પિતાજી કે જે એક જ સરખાં દેખાતા લાખો કરોડો તારાઓથી ભરેલા આકાશને જોઈ વરસાદનો વરતારો કરી દે છે.. એટલું જ નહી દેશી ઓસડીયા કરી તેની યોગ્ય માત્રા આપીને પલકવારમાં રોગને ભગાડી શકે છે આ બધી વિદ્યા હોય તો પણ શું મારા પિતા ગમાર કહેવાય..? અને આવું કંઈ ન જાણતા હોવા છતા માત્ર અંગ્રેજી કાયદા જાણે છે. અને ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ગળેટૂંપો દેવાય તેવી ટાઈ બાંધી કાળો ઝભ્ભો ચડાવી તેથી ઊંચા આસને બેઠેલા નામદાર ગોરા ન્યાયાધીશ ભગવાન કહેવાય.? કદાચ ભગવાન ગણાતા હોય તો પણ અમારા બધા ભગવાનતો સાવ સામાન્ય ગોવાળીયાઓ સાથે રમનારા અને વનવાસીઓની ઝુપડીમાં તેમના જેવા જ બની ને રહેનારા છે, તો લોર્ડ માટે જુદી વ્યવસ્થા કેમ..?

‘પરજા દેવસી હાજીર હો…’ લાલ ફેંટો બાંધેલા પરવારીએ પોકાર કર્યો અને ભારતની વિચારશૃંખલા તૂટી ગઈ. ધ્રૂજતા પગે અને કરબદ્ધ થઈ કેડ વળી જાય તેટલું ઝુકીને ગોરા જજ સાહેબની અદાલતમાં હાજર થઈ મહેસૂલ માફ કરવા લથડતી જીભે પરજા દેવસીએ રજૂઆત કરી અને ગોરા મેજિસ્ટ્રેટનો પિત્તો સાતમા આસમાન પર ચડી ગયો.. તેને બરાબર યાદ આવી રહ્યાં હતા એ શબ્દો.. ‘ટુમ ગવાર જાહિલ લોગ મહેનત નહીં કરતે ઔર ન્યાય કી ભીખ માંગતે હો અગર તુમ્હારા લગાન માફ કરેંગે તો સરકાર કો ક્યાં ફાયદા.. ટુમ લોકો કી રખવાલી કે લીયે યે જો ફૌજ બનાઈ હૈ ઔર યે જો અદાલત ચલા રહે હૈ ઉસકા ખર્ચા કહાં સે લાયેંગે.. એપ્લીકેશન રીજેક્ટેડ’ અને ગાંઠે બાંધેલી થોડી ઘણી બચત પણ ગુમાવીને ન્યાયમંદિરેથી વીલા મોઢે પાછા ફરતા ભારતના કુમળા માનસમાં ઘમાસાણ શરૂ થઈ ગયું કે, ગોરો જજ કહે છે કે.. જો તમે કર ન ભરો તો તમારા માટે રાખેલી ફૌજ ને કોણ ખવડાવશે.. જ્યારે એ જ ફૌજ ગોરા જજની સગવડ સાચવવા તેના અલાયદા દાદરની હિફાજત કરવા મારા બાપને લાત મારે છે. એક દાણામાંથી હજાર દાણા તો કુદરત કરી આપે છે પણ તેમાં પરસેવો તો મારા બાપ અને માં નો પડે છે. ઘરના બળદ ભર તડકામાં મારા બાપને હજાર દાણા અપાવવા મહેનત કરે છે.. તો મારા પિતા પણ તેની કાળજી લેવામાં કદી પાછા પડતા નથી ખેતર ખેડીને આવે તે દિવસે ઘી અને ગોળનો રસ બનાવી નળીથી પિવડાવવાનું ચૂકતા નથી. અને બળદ ના ચાર અને પાણી માટે તો આકાશ પાતાળ એક કરે.. જ્યારે અહીં મારા પિતા ખેતીમાં જે પકવે તેમાંથી જમાદારનો ભાગ અને સરકારનો કર પણ ભરવાનો એવું કેમ.? ભારતનું બાળમાનસ વિચારી રહ્યું હતું કે, મારા પિતાની ખેતીમાં મહેનત કરનારા બળદ સાથે પણ મારા પિતાનો વહેવાર પોતાનો સગો ભાઈ કેમ ન હોય એટલો માનવીય અને માયાળુ છે જ્યારે અહીં મારા પિતા ને ગોરો જજ તો બન્ને માણસ જ છે તેનામાં અસમાનતા કેવી..? અને શા માટે..? ભરતને વિચાર આવ્યો કે, હું મોટો થઈ ગોરા જજ સાહેબ જેવો સાહેબ બની જાઉં.. પણ તરત જ બીજો વિચાર પણ આવ્યો કે, હું કદાચ ન્યાયાધીશ બની જાઉં તો પણ પોતાની જાતને મારા પિતાજી જેવા સામાન્ય નાગરિકથી જુદી માની કેવી રીતે શકું..?

આજે ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના દિને ભારતને બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો હતો.. આજે એ ખૂબ ખુશ હતો તેણે તો મહિનાઓથી ભેગી કરેલી બચતમાંથી ગુજરાતી ભાષામાં ભારતના બંધારણની એક નકલ પણ નવેમ્બર મહિનામાં બંધારણનો પ્રારંભ શરૂ થયો ત્યારે જ મંગાવી લીધી હતી. ત્યાર પછી દિવસો અને મહિનાઓ સુધી કિશોર ભારતના મનોરાજ્યમાં બસ બંધારણ જ છવાઈ ગયું હતું. અને કિશોરમાંથી યુવાન બની રહેલો ભારત તેના પિતાજીને સમજાવતો હતો અને કહેતો હતો કે, ‘બાપુજી જુઓ હવે સોનાનો સૂરજ ઊગ્યો છે. હવે ભારતના બાપ એવા પરજા દેવસીને ન્યાયના મંદિરમાં કોઈ હડધૂત નહી કરી શકે. હવે રાજા અને પ્રજા વચ્ચેના ભેદભાવ નહી રહે.’ ભારતે બંધારણની વિશેષતાઓ જણાવતા ઉમેર્યું હતું કે, ‘આમ તો બંધારણમાં ગોરા અંગ્રેજો એ ઘડેલા કાયદાની જ જોગવાઈ છે પરંતુ આપણા ઘડવૈયાઓએ તેના આમુખમાં ખૂબ જ સુંદર ઘડ્યું છે કરી અને ભારતની પ્રજાને સાર્વભૌમત્વ આપ્યું છે. એટલું જ નહી એમાં મૂળભૂત હક્કો આપીને પ્રજાને ખૂબ જ મૂલ્યવાન અધિકાર આપી દીધો છે.. ભારત બંધારણની વિશેષતાઓનું વર્ણન કરતા થાકતો નહોતો.. ભારત તેના પિતાને કહી રહ્યો હતો કે, પિતાજી હવે તમે જોયા કરો ભારત કેવું નંદનવન બને છે.

એ વાતને આજે વર્ષોના વહાણા વીતી ગયા.. હાલ ૨૦૧૫ ની સાલ ચાલી રહી છે. પરજા દેવસી પથારીવશ છે. આયખું વિતાવી ચૂક્યાં છે અને યમરાજનું તેડું આવે તેની રાહ જોઈ રહ્યાં છે. પુત્ર ભારતે પિતાની ખેતી સંભાળી લીધી તે વાતને પણ દાયકાઓ વીતી ગયા છે. આઠ વર્ષની ઉંમરે ગુલામ ભારતની અદાલતનો એ કડવા અનુભવ પછી એને ક્યારેય ન્યાયમંદિરમાં જવાનું બન્યું નથી. પરંતુ પ્રજાસત્તાક આવ્યા પછી ન્યાયમંદિરમાં બંધારણના આમુખ અને નાગરિકોને અપાયેલા મૂળભૂત અધિકાર બાબત ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હશે એવો ભારતનો વિશ્વાસ હજી પણ અકબંધ હતો. નાનપણમાં તેને ન્યાયાધીશ બનવાનો વિચાર આવેલો જેને તેણે તે વખતે દબાવી દીધેલો પરંતુ તેના ન્યાયાધીશ બનવાનાં સ્વપ્નનું બીજ તેણે સંતાનોમાં વાવ્યું હતું અને પરિણામસ્વરૂપ ત્રણેય દિકરાઓ ન્યાયના ક્ષેત્રમાં હતા. સૌથી મોટો શહેરનો નામાંકિત ધારાશાસ્ત્રી, વચલો અન્ય શહેરમાં પબ્લિક પ્રોસીક્યુટર અને સૌથી નાનો દીકરો હમણાં જ એલ.એલ.બી નો અભ્યાસ પૂરો કરી હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા પાસ કરી ન્યાયાધીશ બની ચૂક્યો છે. અને મોટા શહેરમાં હાલ જ તેનું પોસ્ટીંગ થયું છે.

ઉનાળાની રજાઓ લઈ હાલ જ ગામડે આવેલા ત્રણેય સંતાનો પિતા સાથે અલક મલકની વાતો કરી રહ્યાં છે. નાનકાએ ઓશરીમાં બેઠાં બેઠાં તેની ન્યાયાધીશ તરીકેની નોકરી ની વાતો કરતા કરતા જજ ના હોદ્દાની કેવી ગરિમા હોય તે જણાવતા કહેવા માંડે છે કે, ‘‘ પિતાજી તમે જાણો છો હું કેવી પદવી ઉપર છું.. જે વિસ્તારમાં મારી નિમણુંક થાય ત્યાંના રાજા જેવું મારું વર્ચસ્વ હોય છે.. પોલીસ આવી સલામ મારે છે અને મોટા મોટા વકીલો પણ ગરદન નમાવીને મારી અદાલતમાં દાખલ થાય છે.. અને હા, તમને કહું હવે પહેલા ના જેવી અદાલત નથી રહી દેશમાં તમામ ન્યાયમંદિરોમાં સુવિધાઓ છે. કોર્ટ એટલે કે ન્યાયના દરબાર માટેનો મોટો કોર્ટરૂમ, વિશાળ ન્યાયમંચ, જ્યાં જાઉં ત્યા મારો પટાવાળો આગળ ચાલે જેથી આવતા જતા લોકોને મારા આગમનની જાણ થાય અને મારી લોકો આમન્યા જાળવે.. અમને કોઈ મળી ના શકે. અને અમે પણ બને ત્યાં સુધી કોઈને પણ મળવાનું ટાળીએ. એસી ચેમ્બર અને આવવા જવાના ખાસ જુદા બનાવ્યા છે. મોટા બિલ્ડિંગમાં તો અમારા માટેની લિફ્ટ પણ જુદી રાખવામાં આવી છે જેથી સામાન્ય પ્રજા કરતા જુદા રહીને અમે નિષ્પક્ષ ન્યાય તોળી શકીએ ’’

નાનકાની વાતમાં સૂર પુરાવતા મોટા ભાઈએ પણ ટાપસી પુરી કે, નિષ્પક્ષ ન્યાય કરવો હોય તો સામાન્ય પ્રજાથી ન્યાયાધીશે અલગ જ રહેવું જોઈએ. અને વચલાએ પણ જણાવ્યું કે ખરેખર તો આપણા દેશમાં નિષ્પક્ષ ન્યાય કરવો હોય તો માત્ર ન્યાયાધીશ જ નહી ન્યાય સાથે સંકળાયેલા તમામને માટે સ્પેસીયલ સુવિધાઓ અને સવલતો હોવી જોઇએ.

ત્રણેય સંતાનોની વાત સાંભળતા જ વૃદ્ધાવસ્થાને આરે આવેલા ભારતનું ચિત્ત ચકડોળે ચડી રહ્યું હતું અને નાનકો હજી તેની વાત કહ્યે જ જતો હતો કે, ‘આમ તો આપણા દેશમાં અત્યાર સુધી સગવડના અભાવે ફોજદારી તથા દિવાની કેસો વર્ષોથી ન્યાય માટે પડતર છે.. પરંતુ ન્યાયતંત્ર લોકઅદાલતના માધ્યમથી આ પડતર કેસોનો નિકાલ કરવા ખૂબ મહેનત કરે છે.

પ્રજાસત્તાકદિને કિશોરાવસ્થામાં પગરણ માંડનાર ભારત જે હવે અશિતિનાં ઉંબરે આવી પહોચ્યાં છે તેણે નાનકાની વાતો સાંભળી ધીરે ધીરે ઘરમાં જઈ ને પોતાના પટારામાં સાચવીને ખાદીનાં વસ્ત્રોમાં બાંધીને મૂકેલું એક પુસ્તક જે તેણે ખૂબ જ આશા અને ઉત્સાહથી પોતાની બાળપણની બચત વાપરીને ખરીદેલું તે બહાર કાઢી લાવે છે અને શ્રદ્ધાપુર્વક ખોલીને વાંચવાનું શરૂ કરે છે.. ‘અમે ભારતના લોકો.. ભારતને એક પ્રજાસત્તાક સાર્વભૌમ….’ ત્યાં તો વચ્ચેથી જ અટકાવી નાનકો કહે છે કે, પિતાજી આ તો આપણા કોન્સટીટયુસનનો ગુજરાતી અનુવાદ છે અને તમે જે બોલી રહ્યાં છો તે એનું પ્રિએમ્બલ છે. અને નાનકાએ તેની કોન્વેટીયા માહિતીનું પ્રસારણ શરુ કરતા તેમાં સર્વોચ્ચ ન્યાયાલય ચુકાદા આપી શું શું ઠરાવ્યું અને ક્યારે ક્યારે બંધારણમાં ફેરફારો આવ્યા વગેરે વગેરે.. બંધારણને લગતી તમામ માહિતીનો એન્સાઈક્લોપીડિયા પુત્ર પિતા ભારત સમક્ષ ખલ્લો મૂકી દીધો. પરંતુ પિતાએ જવાબમાં પૂછ્યું કે, ‘દીકરા મને માત્ર એટલું જ જણાવ કે, ભારતના બંધારણમાં આમુખ અને મૂળભૂત અધિકાર આપ્યા પછી, ભારતના શાસકો અને ન્યાયાધીશોને સામાન્ય નાગરિક કરતા જુદો દરજ્જો આપવાનો સુધારો ક્યારે આવ્યો..? શું બંધારણના ઘડવૈયાઓએ રચેલા આમુખમાંથી ‘તક અને દરજજાની સમાનતા અને નાગરિક તરીકેના જ ગૌરવની બાબત હટાવી દેવાઈ છે..? શું મૂળભૂત અધિકારમાંથી અનુચ્છેદ ૧૩, ૧૪ અને ૧૮ રદ કરી નંખાયા છે..?’ અંગ્રેજોના સમયમાં સમગ્ર પ્રજાને ગુલામ રાખવા માટે ભારતના જ કેટલાક અંગ્રેજભકતોને ઉપાધિ, ઈલકાબો અને ખિતાબો અપાતા હતા અને તેઓ સરવાડે સવાયા અંગ્રેજ બની જતા હતા. તેથી આમુખ માં અને મૂળભૂત અધિકારોમાં બંધારણે માત્ર નાગરિક તરીકેના દરજ્જાને સ્વીકાર્યો અને બીજા દરજ્જાઓ અનુચ્છેદ ૧૮ થી નિર્મૂળ કર્યા હતા. અને દેશમાં સાર્વભૌમત્વ અને પ્રજાસત્તાક હોય તેમ છતા આવો ભેદભાવ કેવી રીતે ચાલી શકે.?

પુત્રએ જણાવ્યું તમે પણ શું પિતાજી.. આપણી ન્યાયની પરંપરા કંઈ આજકાલની નથી છેક અંગ્રેજોના વખતથી ચાલ્યું આવે છે. કાળો કોટ, ઉંચુ ન્યાયાસન, જુદા રસ્તા પટવારીના પોકાર અને ન્યાયાધીશનો નાગરિક કરતા ઉચ્ચ જુદો દરજ્જો.. અને બંધારણ પણ તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહ્યું ‘જયુડીસીયરી સુડ બી સેપરેટેડ ફ્રોમ એક્ઝીકયુટીવ’.. આ બધું તો અંગ્રેજોના વખતથી ચાલ્યું આવે છે છેક હવે જુદાજુદા પંચોની ભલામણથી ન્યાયાધીશની સુવિધામાં વધારો કરાયો છે… અંગ્રજોને સ્થાને ન્યાયાસને બિરાજેલા પોતાના જ પુત્રોની વાતો વિચારો અને માનસિકતા સાંભળતા યુદ્ધના મેદાનમાં સામાપક્ષે યુદ્ધ કરનારા સ્વજનોને જોઈને સિદન્તિ મમ ગાત્રાણી મુખમ્ ચ પરિશુષ્યતિ.. જેવી મહાભારતના ભારત અર્જુનની જેવી સ્થિતિમાં આપણા ભારત પણ મૂકાઈ ગયા.

અને આજે ૬૫ વર્ષ જુના થયેલા પ્રજાસત્તાક રાષ્ટ્રનો વૃદ્ધ નાગરિક ભારત ફરી એકવાર તેના જનક પરજા દેવસી સાથે તેણે વર્ષોથી જીવનું જતન કરી સાચવી રાખેલા જર્જરિત પ્રજાસત્તાક ભારતના બંધારણના એ પુસ્તકનાં પાનાઓમાં સચવાયેલા શબ્દોને ફરીથી વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો..‘‘ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, પ્રજાસત્તાક….’’ એવી વિમાસણ સાથે કે, કદાચ તેણે ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીના દિવસે આ શબ્દોનું અર્થઘટન કરવામાં કોઈ ભૂલ તો નહોતી કરી ને..!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: