પોલીસ તપાસ દરમ્યાન કબજે લીધેલ મુદ્દામાલના નિકાલની કાર્યવાહી

પોલીસ તપાસ દરમ્યાન કબજે લીધેલ મુદ્દામાલના નિકાલની કાર્યવાહી

Author

ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણા

પ્રોસીક્યુટીંગ ઓફિસર(એ.પી.પી)

।। सत्यं नास्ति परो धर्म ।।

સત્યાચરણ થી શ્રેષ્ઠ કોઈ કર્તવ્ય નથી.

આપણે ન્યાયવ્યવસ્થામાં બ્રિટનની શાસનપ્રણાલીને અનુસરીને ‘રૂલ ઓફ લૉ’ ના સિદ્ધાંતને અપનાવ્યો છે. અદાલત પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયાને અનુસરવામાં આવે છે. અને તેથી જ ફોજદારી કાર્યવાહીમાં પોલીસ ની તપાસ, કોર્ટની ઈન્કવાયરી કે ટ્રાયલ ચલાવવા માટે ક્રિ.પ્રો.કોડની જોગવાઈઓને અનુસરવામાં આવે છે. પોલીસ તપાસ દરમ્યાન કોઈ પણ મુદ્દામાલ કે મિલકતને પોલીસ દ્વારા ગુનાના કામે કબજે લેવામાં આવે ત્યારે તેનો નિકાલ કે વચગાળાનો કબજો સોંપવા માટે પણ કાયદા દ્વારા યોગ્ય પ્રક્રિયા નક્કી કરવામાં આવેલી છે.

ફોજદારી ન્યાય વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ એ હકિકતથી માહિતગાર છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે પોલીસ દ્વારા તપાસ(ઈન્વેસ્ટીગેસન) દરમ્યાન કબજે લેવામાં આવતા મુદ્દામાલ ની વચગાળાની કસ્ટડી યોગ્ય વ્યક્તિને શરતોને આધીન મેળવવા માટે ફોજદારી અદાલતમાં કલમ. ૪૫૧ કે ૪૫૭ મુજબ પોલીસ તપાસ ચાલુ હોય ત્યારે જ મુદ્દામાલ અરજીઓ દાખલ થાય છે અને સુનાવણી કરવામાં આવે છે.

વધુમાં, આપણી અદાલતોમાં પણ કામના ભારણ અને જટીલ પ્રક્રિયા અનુસરવામાં આવતી હોવાને કારણે દિવસો અને ક્યારેક તો મહિનાઓ સુધી આવી અરજીઓનો નિકાલ થતો નથી. મોટાભાગે ચોરી કે છેતરપીંડી જેવા ગુનાઓમાં ભોગ બનનારની ચોરાયેલી ચીજવસ્તુઓ મેળવવા માટે ફરિયાદી અદાલતના ધક્કા ખાય છે એને લાંબો ખર્ચ વેઠવો પડે છે; એટલું જ નહી પોતાની જ મિલકત અંગે એ જામીનગીરી કે બાહેંધરી આપે ત્યારે અદાલત દ્વારા તેની વચગાળાની કસ્ટડીના હુકમ થાય છે.

આમ, ખરેખર મિલકતના હક્કદાર હોવા છતા ફરજીયાત કોર્ટ કાર્યવાહીમાં તેણે અટવાવું પડે છે. જ્યારે જુગાર પ્રતિબંધક ધારા, ગુજરાત પ્રોહીબીશન એક્ટ તથા એનીમલ પ્રીઝર્વેશન એક્ટ જેવા ગુનાઓ કે જેમાં વિધાનમંડળ દ્વારા ગુનામાં વપરાયેલા મુદ્દામાલ અને રોકડને જપ્ત કરવાનાં સ્પષ્ટ પ્રબંધો છે. તેથી જપ્તીને પાત્ર મુદ્દામાલ વચગાળાની કસ્ટડીથી સુપરત કરી જ ન શકાય. તેમ છતાં આ કિસ્સાઓમાં ગુનેગારો કે મદદગારો અદાલતમાં થી આ મુદ્દામાલ મેળવી લેતા હોય છે. પોલીસ દ્વારા કબજે લેવાયેલ મિલકતની વચગાળાની કસ્ટડી આપવા બાબતે ફરિયાદી(ભોગબનનાર) અને આરોપી(ગુનામાં સંડોવાયેલ) વચ્ચે કોઈ તફાવત કે ભેદ મોટાભાગે કરવામાં આવતો નથી, એ કોર્ટમાં મુદ્દામાલના નીકાલની કામગીરીની વરવી વાસ્તવિકતા છે.

અદાલતમાં દરરોજ હજારો અરજીઓ પોલિસ ઈન્વેસ્ટીગેસન ચાલુ હોય ત્યારે જ દાખલ થાય છે, જેની સુનાવણી અદાલતમાં કેસોના ભારણમાં વધારો કરે છે. અને આ અરજીઓના નિકાલમાં અદાલતનો કિંમતી સમય પણ વપરાય છે સાથે સાથે અદાલતના પ્રોસેસનો પણ (દુર)ઉપયોગ થાય છે. અને સામાપક્ષે પ્રજાને પણ ન્યાયના સુફળ મળવાને બદલે ન્યાયવ્યવસ્થાનો ભોગ બનવું પડે છે.

પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલી મિલકતના નિકાલની આ આખી વ્યવ્સ્થાનો વિચાર કરતા પહેલા એ નોંધવા સરખું છે કે, શાસનતંત્ર દ્વારા પ્રજાના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય… એટલું જ નહી, પરંતુ તેને પ્રાપ્ત સંવૈધાનિક અધિકારોનું પણ ચુસ્ત પણે in letter and spirit પાલન થવું જોઈએ. અને તે રીતે ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ. બંધારણનો અમલ થયો ત્યારે મિલકત ધારણ કરવાનો અધિકાર એ ભાગ–૩ ના મૂળભૂત અધિકારોમાં સમાવિષ્ટ હતો. જે પછીથી રદ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રકરણ ૭ અનુચ્છેદ ૩૦૦એ ઉમેરવામાં આવ્યું છે, તે દર્શાવે છે કે, ‘‘ Persons not to be deprived of property save by authority of Law ”  અર્થાત એ બાબત સ્વયંસ્પષ્ટ છે કે, કોઈ પણ વ્યક્તિની મિલકત તે સ્થાવર હોય કે જંગમ તે મિલકત ધારણ કરવાના અધિકારથી તેને વંચિત રાખી શકાય નહી. સિવાય કે, કાયદા દ્વારા વંચિત કરવાનું અધિકૃત ઠરાવ્યું હોય.

સંવિધાનની સ્પષ્ટ જોગવાઈને લક્ષ્યમાં લઈને મુદ્દામાલના નિકાલ માટે હાલમાં ચાલી રહેલી આ પ્રણાલિકા નો વિચાર કરતાં કેટલાક મહત્વના પ્રશ્નો ઉદ્ભવે છે.

શું ગુના સાથે સંકળાયેલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવાયો હોય, જેની ટ્રાયલ દરમ્યાન જરૂરીયાત નથી કે, તેને અદાલતમાં ખસેડી શકાય તેમ ન હોય, કે નાશ પામે કે બગડી જાય તેવા મુદ્દામાલનો વચગાળાનો કબજો તેના પ્રથમદર્શનીય માલીકને કે કબજેદારને પોલીસ જ સોંપી ન શકે.? શું કબજે લેવાયેલા મુદ્દામાલ પરત મેળવવા માટે તેના માલિકે અદાલતમાં જ અનિવાર્યપણે જવું પડે.? શું પોલીસ કે અદાલત બંધારણના અનુચ્છેદ ૩૦૦–એ ના સંજોગોમાં કાયદાથી ઠરાવેલી જોગવાઈને અનુસર્યા સિવાય કોઈ પણ વ્યક્તિના તેની મિલકત નો ઉપભોગ કરવાના અધિકાર ઉપર તરાપ મારી શકે છે.? શું ક્રિ.પ્રો.કોડના પ્રકરણ ૩૪ ની ક.૪૫૧ કે અન્ય કોઈ પણ જોગવાઈથી અદાલતને ઈન્વેસ્ટીગેસન દરમ્યાન મુદ્દામાલની વચગાળાની કસ્ટડી આપવાની સત્તા છે.?

ઉપરોક્ત ચારેય પ્રશ્નોના મુદ્દાસર વિચાર કરીએ તો,

ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ માં પોલીસ તપાસ દરમ્યાન કોઈ પણ મિલકત પ્રકરણ ૭ કલમ.૧૦૨ મુજબ કબજે લઈ શકે છે. જે મુદ્દામાલ ની ટ્રાયલ દરમ્યાન પુરાવા તરીકે રજુ કરવાની જરૂરીયાત નથી અને તેને અદાલત સમક્ષ લઈ જઈ શકાય તેવો ન હોય કે, નાશ પામે કે બગડી જાય તેવો હોય ત્યારે તેને બોન્ડ લઈને છોડવાની સત્તા પોલીસ ને હોવી જોઈએ એવું લાગતા છેક ૧૯૭૬ની સાલમાં આપણી સર્વોચ્ચ અદાલતે અનવર અહેમદ વિ. સ્ટેટ ઓફ યુ.પી[1] ના ચૂકાદામાં જણાવ્યું કે, “we would like to observe that even in the new Criminal Procedure Code, there is no express provision which empowers the police to get a bond from the person to whom the property seized is entrusted. This may lead to practical difficulties, for instance in cases where a bulky property, like an elephant or a car is seized and the Magistrate living at a great distance; it would be difficult for a police officer to report to the Magistrate with the property. In these circumstances, we feel that the Government will be well advised to make suitable amendments in the Code of Criminal Procedure to fill up this serious lacuna by giving power to the police for taking the bond in such circumstances.”

સર્વોચ્ચ અદાલતના ઉપરોક્ત સુચનને ધ્યાનમાં લઈ કલમ ૧૦૨ માં ૧૯૭૮ ના સુધારા અધિનિયમથી હવે પેટા કલમ ૩ ઉમેરવામાં આવી છે. આ જોગવાઈ દ્વારા પોલીસ જ ‘ઈન્વેસ્ટીગેસન’ દરમ્યાન જપ્ત કરેલ મુદ્દામાલ કે જેને અદાલત સમક્ષ લઈ જઈ શકાય તેમ ન હોય અથવા આ મુદ્દામાલની ટ્રાયલ દરમ્યાન જરૂરીયાત ન હોય કે બગડી જાય કે નાશ પામે તેવો હોય તેને યોગ્ય વ્યક્તિને બોન્ડ લઈ સુપરત કરી શકે છે. આ કલમની જોગવાઈ જોઈએ તો,

(3) Every police officer acting under sub-section (1) shall forthwith report the seizure to the Magistrate having jurisdiction and where the property seized is such that it cannot be conveniently transported to the Court or where there is difficulty in securing proper accommodation for the custody of such property, or where the continued retention of the property in police custody may not be considered necessary for the purpose of investigation, he may give custody thereof to any person on his executing a bond undertaking to produce the property before the Court as and when required and to give effect to the further orders of the Court as to the disposal of the same.[2]

આ કલમમાં Cr.P.C (Amendment) Act 2005 થી થયેલા વધારાના સુધારામાં પણ ૫૦૦/–રૂ.ની કિંમતના મુદ્દામાલના નિકાલ અંગે કરવામાં આવેલી Notes of clauses જોઈએ તો, “The Proposed amendment to sub-section 3 of section 102 is intended to give greater discretion to the police for releasing seized property where there is difficulty in securing proper accommodation for the custody of property or where the continued retention of the property in police custody is not considered necessary for the purpose of investigation. ”

આમ, આ જોગવાઈ થી જે મુદ્દામાલ કોર્ટમાં મોકલવામાં નથી આવતો તેવા તમામ મુદ્દામાલ ની વચગાળાની કસ્ટડી કોને સોંપવી તે અંગે નિર્ણય કરવાની સત્તા પોલીસને જ છે. પોલીસ ઈન્વેસ્ટીગેસન ચાલુ હોય ત્યારે કોર્ટને મુદ્દામાલ અંગે કોઈ નિર્ણય કરવાની સત્તા નથી. ક્રિ.પ્રો.કોડના પ્રકરણ ૩૪ ની કલમ ૪૫૧ થી ૪૫૯ ની તમામ જોગવાઈ માત્ર ‘ઈન્કવાયરી’ અને ‘ટ્રાયલ’ દરમ્યાન મિલકતના નિકાલ અંગેના પ્રબંધ કરવામાં આવેલા છે. જે બે કલમોનો આધાર લઈ કોર્ટમાં મુદ્દામાલ અરજીઓ ચાલે છે તે કલમ ૪૫૧ તથા ૪૫૭ બન્નેની જોગવાઈ સ્વયંસ્પષ્ટ છે. જેમાં પણ ઈન્કવાયરી અને ટ્રાયલ એ બે તબક્કામાં જ મુદ્દામાલનો નિકાલ કરવા અંગે અદાલતની સત્તા દર્શાવવામાં આવેલી છે. પોલીસ દ્વારા જ્યારે તપાસ(ઈન્વેસ્ટીગેસન) થઈ રહ્યું હોય ત્યારે તે ટ્રાયલ કે ઈન્કવાયરી હરગીઝ નથી ઈન્કવાયરી એટલે Sec.2(G) “inquiry” means every inquiry, other than a trial, conducted under this Code by a magistrate or Court[3] કોર્ટ કે મેજીસ્ટ્રેટ દ્વારા કરાતી ટ્રાયલ સિવાયની તમામ તપાસ જેમાં પોલીસ ઈન્વેસ્ટીગેસનનો સમાવેશ થતો નથી. જેથી પોલીસ ઈન્વેસ્ટીગેસન ચાલુ હોય ત્યારે અદાલતને પ્રોસીજર કોડ દ્વારા મુદ્દામાલ પરત્વે હુકમ કરવાની કોઈ સ્પષ્ટ કે ગર્ભિત સત્તા નથી.

જેથી કાયદા મુજબની સાચી પ્રક્રિયા તો એજ છે કે, જે કોઈ પણ મુદ્દામાલ પોલીસ કબજે લે તે મુદ્દામાલ અંગે પોલીસે કલમ ૧૦૨(૩) ની જોગવાઈ મુજબ વચગાળાનો કબજો બોન્ડ લઈને યોગ્ય વ્યક્તિને સુપરત કરી દેવો જોઈએ. અને જે મુદ્દામાલ નો નીકાલ વચગાળાની કસ્ટડીથી કરવો યોગ્ય ન જણાતો હોય તેવો મુદ્દામાલ પોલીસે અદાલતને ચાર્જસીટ સાથે સુપ્રત કરવો જોઈએ અથવા તો, અદાલતમાં મોકલી શકાય તેમ નથી એવો રીપોર્ટ કરવો જોઈએ જેથી ટ્રાયલ દરમ્યાન કોર્ટ તેનો ક.૪૫૭ મુજબ નીકાલ કરી શકે. મુદ્દામાલના ઝડપી નીકાલ અંગે સુંદર અંબાલાલ વિ. સ્ટેટના કિસ્સામાં પણ માર્ગદર્શિકા આપી છે.

આમ, કાયદાના પ્રબંધો અને સંવિધાનની અનુચ્છેદ.૩૦૦એ ની જોગવાઈને સંયુક્ત રીતે ધ્યાનમાં લેવામાં આવે તો પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલા મુદ્દામાલને ૧૦૨(૩) માં દર્શાવેલા સંજોગો હોય ત્યારે પોલીસે જ યોગ્ય વ્યક્તિને તે સુપ્રત કરી દેવો જોઈએ અને આ જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવા માટે જરૂર પડે ન્યાયપાલીકાએ નિર્દેશ કરવા જોઈએ.

પોલીસ દ્વારા કબજે લેવામાં આવતો મુદ્દામાલ કલમ ૧૦૨(૩) માં દર્શાવેલા સંજોગો હોય ત્યારે તેના યોગ્ય માલીકને વિનાઅવરોધે અને વહેલામાં વહેલી તકે જરૂર પડે અદાલતમાં રજુ કરવાની બાહેધરી સાથે પોલીસ દ્વારા જ પરત મળી જ જવો જોઈએ. ઈન્વેસ્ટીગેસન ચાલુ હોય તે દરમ્યાન કરાતી મુદ્દામાલ અરજીઓ અને તેના નિકાલની સમગ્ર કાર્યવાહી ને ફોજદારી કાર્યરીતી સંહિતાનું કોઈ સમર્થન નથી અને તેથી તેને અવૈધાનિક ગણવી જોઈએ. અને જો આપણે પણ આ જ ન્યાયીકવ્યવસ્થાના ભાગ બનીને નાગરિકને પોતાની જ વસ્તુ પરત મેળવવા વિલંબ કરીને અદાલત સુધી જવા મજબુર કરી રહ્યાં હોઈએ તો એ આપણી તે વ્યક્તિના બંધારણીય અધિકાર ઉપરની તરાપ છે એમ સમજવું જોઈએ.

નાગરિકોને તેનો કબજે લેવાયેલો મુદ્દામાલ મેળવવા કોર્ટનો આસરો લેવો પડતો હતો તે બાબતે સર્વોચ્ચ અદાલતે છેક, ૧૯૭૬ માં ટકોર કરી હતી અને વિધાનમંડળે તે મુજબ ૧૯૭૮ ના કાયદાથી સુધારો પણ કરી દીધો અને જપ્ત કરેલી મિલકત સુપ્રત કરવા પોલીસ પણ અમુક સંજોગોમાં વિવેકાધીન સત્તા વાપરી શકે તેવો કલમ ૧૦૨(૩) થી પ્રબંધ કર્યો. છતાં એ કરૂણતા છે કે, તે જોગવાઈઓને નજરઅંદાજ કરી કાયદાના પુસ્તક પુરતી મર્યાદિત રહેવા દીધી છે.અને તેમ કરી સામાન્ય નાગરિકના મિલકત ધારણ કરવાના વૈધાનિક અધિકારનો ભંગ કરી રહ્યાં છીએ અને છતાં ગર્વથી કહીએ છીએ કે અમે ‘Rule of Law’ કાયદાના શાસનમાં માનીએ છીએ. ધન્ય છે આપણા ન્યાયને અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને..

सबको सन्मति दे भगवान मेरा भारत बने महान..

ધર્મેન્દ્રસિંહ જી. રણા

આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર

લીગલ ડિપાર્ટમેન્ટ, ગુજરાત રાજ્ય મો.9427582895

[1] Anvar Ahemad V. State Of U.P  AIR 1976 SC 680

[2] Cr.P.C Sec. 102(3)

[3] Cr.P.C Sec. 2(g) inquiry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: