આઝાદી અમર રહો

આઝાદી અમર રહો..

આજે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૫.. ૧૪મી ની અર્ધી રાત્રે આપણા રાષ્ટ્રને મુક્ત કરી બ્રિટિશર્સ ચાલ્યા ગયા. આપણે મુક્ત થયા. દેશની આઝાદીના દિવસે તો હું જન્મ્યોય નહોતો. પણ મને યાદ આવે છે કે, કદાચ પહેલા કે બીજા ધોરણમાં ભણતો હોઈશ. ૧૫ મી ઓગસ્ટના વહેલી સવારે અમે શાળાએ પહોચી જતા શિક્ષકોની આગેવાનીમાં ‘આઝાદી અમર રહો’ ‘ગાંધીજી અમર રહો’ ‘શહીદ ભગતસિંહ અમર રહો’ એવા નારા કરતા પ્રભાતફેરી ફરતા હતા. અને લગભગ દરેક ઘરમાંથી જાણે કે, ભગવાનની શોભાયાત્રા હોય અને ઘરેઘરેથી આરતી ઉતારાય તેમ કોઈ ખાટીમીઠી ચોકલેટથી તો કોઈ ખાંડની વાટકી ધરતા અને અમારું મોઢું મીઠું કરાવાતું. આજે રાષ્ટ્રની આઝાદીનું ૬૯ મું પર્વ ઉજવાઈ રહ્યું છે, અને મારા જીવનનો ૪૧મો સ્વાતંત્ર્યદિવસ.. જે દિવસે ૧૫ મી ઓગસ્ટ કે ૨૬ મી જાન્યુઆરી હો તે આખો દિવસ દેશપ્રેમના ગીતો ગાવાના.. ખાખી ચડ્ડી સફેદ શર્ટ પહેરેલા રાખવાનાં અને ધ્વજ બનાવી સલામી આપવાની એ રમતો અને કાર્યક્રમ દિનચર્યાનો ભાગ બની રહેતો.

જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ખબર પડતી ગઈ કે, આ રાષ્ટ્ર બસ્સોએક વર્ષ પહેલાથી બ્રિટિશરોની હકૂમત હેઠળ હતું અને આ અંગ્રેજોનું સીધું શાસન દેશના કેટલા હિસ્સામાં અને આડકતરું શાસન સમગ્ર રાષ્ટ્રમાં ફેલાયેલું હતું. તેમને હાંકી કાઢવા અને પોતાના લોકોનું પોતાનું સ્વશાસન લાવવા માટે આઝાદીના આંદોલનો થયા અને પરિણામ સ્વરૂપ આપણે ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયા.

બંધન ગમે તેટલું રૂપાળું હોય તોય કદી સ્વીકાર્ય બની શકે નહી. અને મુક્તિ ગમે તેટલી અગવડ ભરેલી હોય તોય હંમેશા આનંદદાયક હોય છે. આ સનાતન સત્ય છે. આપણે અંગ્રેજોના શાસનમાંથી ૧૫ મી ઓગસ્ટે ભલે મુક્તિને પ્રાપ્ત થયા પરંતુ શું ખરેખર સ્વતંત્ર થયા ખરા..? શાસક તરીકે અંગ્રેજો આ દેશમાંથી જતા રહ્યાં પરંતુ શું શાસકો ગયા..? જ્યાં સુધી કોઈ શાસક જીવતો હોય ત્યાં સુધી કોઈ ગુલામ તેની ગુલામીમાંથી મુક્ત શઈ શકે..? અગ્રેજીશાસનમાંથી મુક્ત થઈને આપણે ભારતીય શાસકના હાથમાં પડ્યા પરંતુ ખરેખર મુક્ત થયા તો ત્યારે કહેવાઈ કે જ્યારે આપણા ઉપર કોઈનુંય શાસન ના હોય અને સ્વશાસન હોય.. પરંતુ હા એ સત્ય પણ સ્વીકારવું પડે કે, જ્યાં સુધી આપણે નિર્બળ છીએ નાદાન અને નિ:સહાય છીએ ત્યાં સુધી આપણે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા અને વ્યકતિત્વને ઊર્ધ્વગામી કરવા આપણા ઉપર અન્યના શાસનની જરૂર છે.

જેવી રીતે બાળક ઉપર તેના માતાપિતાનું વાત્સલ્યથી ભરપૂર શાસન હોય, જેવી રીતે સાધનાના પથે યાત્રા કરી રહેલા સાધકના મનોરાજ્ય ઉપર ધર્મનું કડક શાસન હોય તેવું શાસન અનિવાર્ય છે. પરંતુ શરત એ છે કે, એ શાસક પ્રત્યે આદર અને પ્રેમ હોવો જોઈએ.

જ્યાં સુધી આપણામાં જ કોઈ આપણા જેવો શાસક જીવતો જાગતો રહેશે ત્યાં સુધી અન્યની ગુલામીને કોઈ આંદોલન દૂર નહી કરી શકે. અને જો શાસક મટી જશે તો ગુલામ રહેશે જ નહી. અન્યના સ્વાતંત્ર્યની કદર ન કરીએ તો આપણું સ્વાતંત્ર્ય અવશ્ય જોખમાવાનું..

પરંતુ સાથેસાથે એ પણ વિચારવું પડે કે, આપણે પોતાને જ્યાં સુધી સામર્થ્યવાન ન સમજીએ કે જાણીએ ત્યાં સુધી કોઈકનું આધિપત્યનો આપણે સ્વીકારવું જ પડે. અને તેથી શાસન તરીકે ધર્મ.. કે ઈશ્વરને સ્વીકારાયો છે. જે સર્વસામર્થ્યવાન છે.. સર્વકર્મકર્તા છે.. અને સર્વફળદાતા છે.. એવા ઈશ્વરનું આધિપત્ય અને ધર્મનું શાસન આપણા મન ઉપર થાય તો આઝાદીનો સુઅવસર આવે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ઉત્તમ રચના જેને આપણે રાષ્ટ્રગીત તરીકે સ્થાન આપ્યું છે તે ગણગણ્યા વિના રહી શકાતું નથી…‘જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા..’ જન–મનુષ્ય, ગણ–સમૂહ, મન–મસ્તિષ્ક કે સમજ કે બુદ્ધિ, અધિનાયક–શાસક, જય હે– તેનો વિજય થાઓ, ભારતભાગ્ય વિધાતા– જે ભારતનો ભાગ્યને ઘડનાર છે. આ શબ્દો ભલે પાંચમાં જ્યોર્જના સ્વાગત માટે ઉચ્ચારાયા હોય અને તેનું પ્રસસ્થીકાવ્ય ગણાતા હોય પરંતુ આ શબ્દોનો ખરો અર્થ વિચારીએ તો આપણા ઉપર શાસન કરાનારા સર્વસામર્થ્યવાન ઈશ્વરની જ મહાનતાનું વર્ણન છે અને આ કાવ્યમાં એ જ ઈશ્વરના શાસનનો સ્વીકાર છે.

આજે સ્વાતંત્ર્ય પર્વના દિને શું આપણે એવો સંકલ્પ ન કરી શકીએ કે, મને સ્વતંત્રતા ગમે છે. મારે સ્વાતંત્ર્ય જોઈએ છે તો હું કોઈને ગુલામ બનાવીશ નહી. જો હું મુક્ત છું તો સમગ્ર સૃષ્ટિને મુક્તિનો અબાધિત અધિકાર છે. એક પ્રજા જ્યાં સુધી તેના સૌ નાગરિકોનો સ્વશાસનનો અધિકાર ન સ્વીકારે ત્યાં સુધી સ્વતંત્રતાનો સાચો સ્વાદ ન આવી શકે. અને તે માટે પરમેશ્વરની આધિનતાનો સ્વીકાર કરવો પડે.

મારો દેશ તેની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિના પરમ સત્યોને જાણનારો અને શ્રદ્ધાપુર્વક સ્વીકારનારો બને તેના જન જન ના મનોરાજ્યમાં પરમેશ્વરની આધિનતાનો ભાવ અકબદ્ધ રહે અને આપણે સૌ ભારતભાગ્યવિધાને આપણા શાસક તરીકે સ્વીકાર કરી સાચા અર્થમાં સ્વાધિન થઈએ એવી પ્રાર્થના સાથે આપ સૌને ૬૯ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ…

લખ્યા તા. ૧૫ મી ઓગસ્ટ મળસ્કે ૪.૦૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: