ભારતને ભ્રષ્ટાચારમુક્ત કેવી રીતે કરી શકાય..?

ભારતને ભ્રષ્ટાચારમુક્ત કેવી રીતે કરી શકાય..?

છેલ્લા કેટલાક વર્ષોથી આપણે એક અવનવું પરિવર્તન સમાજમાં જોઇ રહ્યાં છીએ. પ્રત્યેક વ્યક્તિને કોઈને કોઈ શૉર્ટકટ વાપરીને મોટા થઈ જવું છે. ઇન્ટરનેટ અને મોબાઇલનાં સથવારે વિસ્તરેલી ૨૧ મી સદીનું સૌથી મોટું દૂષણ ગણો તો દૂષણ અને પ્રદૂષણ ગણો તો પ્રદૂષણ પણ આ નવા યુગે માનવીનાં મનને નાનું કરી દીધું છે. જુઠ્ઠાણું, ફરેબી, કરચોરી , ભષ્ટાચાર અને કમિશન એ બધા જ દુષણોને આજકાલ આપણે સૌ સાવ સહજ માનતા થઈ ગયા છીએ. અને તેથી જ આપણા અખબારો અને ટી.વી. ચેનલોમાં છાસવારે કૌભાંડ ચમકતા રહે છે.
વર્ષોથી અનેક કૌભાંડ ચર્ચાતા રહેલા છે. આઝાદી પછીનાં ભારતનાં ભૂતકાળમાં ડોકિયું કરીએ તો મેનનનાં જીપકાર કૌભાંડથી શરૂ કરી બોફોર્સ, હવાલા, તહેલકા, ઘાસચારા, કોફિન,તેલગી,મેડીકલ કાઉન્સીલ,કોમનવેલ્થ ગેમ્સ વિગેરે અનેક કૌભાંડ ની આખી યાદી તૈયાર થઈ છે. જ્યારે જ્યારે પણ આવા કૌભાંડના સમાચાર છાપાનાં પાને ચમકે ત્યારે થોડા દિવસ આપણે સૌ એટલે કે ભારતની આઝાદ અને ભડવીર પ્રજા.. ક્યાંક ગલીનાં નાકા પર આવેલા પાનનાં ગલ્લે કે ગામનાં ચોરે કે પછી ટ્રેનનાં કમ્પાર્ટમેન્ટમાં કૌભાંડની ઉગ્ર ચર્ચાઓ ચલાવીએ….! બ્લોગ,ચર્ચાપત્રો અને ટીપ્પણીઓમાં પણ તેનું પ્રમુખસ્થાન હોય; અને આવી લગભગ બધી જ ચર્ચાઓનું તાત્પર્ય એ જ હોય કે આવા કૌભાંડીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. પરંતુ બસ… ! આપણા સૌની આ ચર્ચાઓ માત્ર ચર્ચા બની રહે છે. અને દિવસો વીતતા છાપાની હેડલાઇનમાં પણ કૌભાંડનાં સ્થાને બીજા કોઈ એવા જ હોટ ન્યૂઝ આવી જાય છે. અને લોકોની ચર્ચાઓનાં વિષય પણ બદલાય જાય છે..!
આવા કૌભાંડ થવાનું કારણ શું.? સમાજમાં આટલી બધી અનીતિ, અત્યાચાર અને ભ્રષ્ટાચાર ફેલાયો છે. તે દિવસેદિવસે વધતો જ કેમ જાય છે? શું આ ભ્રષ્ટાચારને નાથી શકાય નહીં.? શું કૌભાંડનો ક્યારેય અંત નહી આવે.? અને જો ઉપરનાં બધાં પ્રશ્નોનાં જવાબ આપી શકાય તેમ હોય તો તે કેવી રીતે શક્ય બને? આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ આપણે ઈચ્છતા હોઈએ તો તે અંગે ખૂબ ગંભીરતાથી ચિંતન કરવું આવશ્યક છે.
આજે નાના બાળક થી લઈને નેવું વર્ષ ની ઉંમરનાં કોઈ વયોવૃદ્ધ સુધી, પટાવાળા થી લઈને પ્રાઈમ મીનીસ્ટર સુધી, ગામડાની નાનકડી હાટડી થી લઈને મહાકાય મલ્ટીનેશનલ કંપની સુધી વિસ્તરેલા વિરાટ સમાજમાં પ્રત્યેક ઠેકાણે મફતીયા વૃત્તિનો પ્રભાવ વધી ગયો છે… સાથે સાથે જાતજાતની ભૌતિક સુવિધાઓ પણ એટલી જ વધી ગઈ છે જેથી ઉપરોક્ત તમામ પ્રકારનાં લાકોની માનસિકતા કઈક એવી થઈ ગઈ છે કે, બસ જીવનમાં ગમે તેમ કરી માલદાર, પૈસાવાળા થવું જોઈએ… કૉલેજની કેન્ટીનમાં બેસીને દિવાસ્વપ્નોમાં રાચતો યુવાન વિચારે છે કે, કઈક એવું કરું કે, રાતોરાત કરોડોમાં રમતો થઈ જાઉં અને સરકારી નોકરી કરતો કોઈ કારકુન પણ ટેબલ પર બેઠા બેઠા એજ વિચારતો હોય છે કે; કંઈક એવો કરિશ્મો થઈ જાય કે આપોઆપ આગલી હરોળમાં આવી જવાય..અને પ્રજામાનસની આ માનસિકતા માંથી જ ભ્રષ્ટાચાર અને અનીતિ જન્મે છે. અને કડવી વાસ્તવિકતા તો એ છે કે મૂલ્યોનાં અભાવે આપણો આખો સમાજ અને સમાજનાં અંગભૂત આપણે સૌ અનીતિનાં કેન્સરથી ગ્રસ્ત થઈ ગયા છીએ! ફરક એટલો જ છે કે નેતા અને અધિકારીઓનાં કૌભાંડ છાપાની હેડ લાઇન બને છે અને આપણું જુઠ્ઠાણું, આપણી અનીતિ અને આપણો નાનકડો પણ કહેવાય તો ભ્રષ્ટાચાર જ… તેને બીજો કોઈ જાણતો નથી. બાકી ભ્રષ્ટાચાર ક્યાં નથી? પોલીસ સ્ટેશનનાં પગથીયે થી શરૂ કરી મામલતદાર, માર્ગ અને મકાન, પંચાયત વિભાગ, કોર્ટ કચેરીઓ, દવાખાના , મોટી મોટી યોજનાઓ અને કલેક્ટર કચેરીઓ અને છેક સચિવાલય સુધી ભ્રષ્ટાચાર ક્યાં નથી થતો..!
અધૂરામાં પૂરુ આપણા કાયદાઓ અને નિયમો પણ અંગ્રેજો દ્વારા એવા બનાવાયા છે કે જે માણસને કાંતો અનીતિમય બનાવે અને કાંતો એણે ગરીબી માં સબડવું પડે… આમ, દરેક ઠેકાણે આ વાઇરસ પહોંચી ગયો છે. હૃદય પર હાથ રાખીને વિચાર કરીએ કે શું મને કંઈ મફતનું મળે તો હું જતું કરી શકું ખરો? પ્રામાણિકતાની વાત કરનારો કર્મચારી પણ શું ક્યારેક કામચોરી નથી કરી લેતો? બાળકોને સાચું બોલવાની શિખામણ આપનારી માતાઓ ફેરિયા અને શાકભાજીવાળી પાસે સિફતથી એકાદ રીંગણ કે કાકડી વધું નથી પડાવતી? નેતાઓ, અને મહાત્માઓનાં ચારિત્ર્યની ચર્ચા કરનારા આપણે અને આપણો સમાજ શું અણીશુદ્ધ ચારિત્ર્યવાળો છે? આ સવાલોના જવાબ કોઈને લખીને નથી મોકલવાનાં ! પરંતુ આપણા માંહ્યલાંને જ જો જવાબવહી વાંચવા આપીએ તો કદાચ રાતની ઊંઘ પણ હરામ થઈ જશે …!
હવે આપણે વિચાર કરીએ કે રાષ્ટ્રપુરુષમાં.., ભારતવર્ષમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો શું કરી શકીએ? કાયદાથી શું ભ્રષ્ટાચાર દૂર થશે? સૌથી મહાન નેતા કે પવિત્ર મહાપુરુષ પણ આ બદીઓ દૂર કરવા ધારે તો એકલ હાથે કરી શકશે…? મિત્રો ! જવાબ સ્પષ્ટ ‘ના‘ માં આવશે. અને એટલે જ આ દૂષણો દૂર કરવા માટે પ્રજામાં નૈતિક શિક્ષણ લાવવાની જરૂર છે. એન્જીન્યરીંગ, મેડિકલ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજીનાં વિષયોની સાથે સાથે એ સત્યના પાઠ પણ ભણાવવા પડશે… જે સત્ય કોઈ સમયે આ ભારતવર્ષના હૃદયમાં વેદમંત્રોના સાનિધ્યે ગુંજતુ હતુ…. ‘સત્યં વદ્.. ધર્મં ચર.. માતૃદેવો ભવ.. પિતૃદેવો ભવ.. આચાર્ય દેવો ભવ… શ્રદ્ધયા દેયમ્…’ અને આજે આ મૂલ્યોની ક્રમસઃ આપણે આપણા જીવનમાંથી હકાલપટ્ટી કરી છે. આ વૈદિક નીતિશાસ્ત્રને ફરજિયાત કરવું પડશે. યુવાનો અને નવી પેઢીનાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ નિર્માણ કરવો પડશે અને સત્ય, અહિંસા, અસ્તેય(ચોરી ન કરવી), અપરિગ્રહ (જરૂરિયાત ન હોય એવી કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો), બ્રહ્મચર્ય (નિશ્ચિત ધ્યેય ને માટે તપ કરવાની તત્પરતા) વિગેરેનું શિક્ષણ ફરજિયાત આપવું જોઇએ… સરકારે કે જી થી કૉલેજ કક્ષા સુધી આ મૂલ્યનિષ્ઠ વાતો ભણાવવાનું ફરજિયાત કરી દેવું જોઈયે. માત્ર વિદ્યાર્થિઓને જ નહીં પરંતુ પ્રત્યેક નાગરિકને ફરજીયાતપણે આ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઇએ…! સનદી અધિકારીઓ અને રાજ્યપત્રિત અધિકારીઓને તેમના ક્ષેત્રોના સેમિનારની સાથે સાથે મૂલ્યો ભણાવવા ફરજિયાત કરવા પડશે.. અને આ અધિકારીઓને વર્ષમાં એકવાર એકાદ અઠવાડિયું રાષ્ટ્રના સૌથી છેવાડાના નાગરિકની જેમ જીવવાની ફરજ પાડવી પડશે.. જેથી જે સત્ય ગાંધી બાપુને પોતડી પહેરીને સમજાયું તેનો થોડોક અંસ આ અધિકારીઓમાં આવે.
ભારતનું સેન્સસ(વસ્તી ગણતરી) દર્શાવે છે કે રાષ્ટ્રની વસ્તીનાં ૫૦ % થી પણ વધુ લોકો ૩૦ વર્ષથી ઓછી ઉંમરનાં છે, એટલે કે, યુવાન છે. તેમના જીવનમાં આદર્શ છે ખરા? અને જો તેમના જવાનોમાં આપણે ગાંધી સુભાષ ને સરદાર, રામ કૃષ્ણ ને મહાવીર નાં જીવનનાં થોડા ગુણો પણ ઉમેરી શકીએ તો જ ઉપર જણાવેલી બદીઓમાં કંઈક ઘટાડો થઈ શકે. આપણા રાષ્ટ્રમાં આવા નૈતિકમૂલ્યોથી યુક્ત સમૂહો તૈયાર થાય તો ભ્રષ્ટાચાર તો દૂર થાય જ .. સાથે સાથે ભારતવર્ષની કિર્તિધજા સમગ્ર વિશ્વમાં ફેલાય જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી…
આ ઉપરાંત આ દુષણો દૂર કરવા માટે સમાજમાં એ વિચાર પ્રસ્થાપિત કરવાની જરૂર છે કે ભૌતિક વસ્તુઓ, બેંક બેલેન્સ કે મોજશોખનાં સાધનો આ બધું જ ગમે તેટલું વધારે થાય તેથી કંઈ સુખનો સાગર પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. અને બીજું એક સનાતન સત્ય એ છે કે જેવી રીતે ગુરુત્વાકર્ષણનાં નિયમ મુજબ ઉપરથી નાખેલી વસ્તુ નીચે જ પડે છે, તેમ અનીતિનાં રસ્તે, અસત્યનાં રસ્તે કમાવેલી કરોડોની સંપિત્ત પણ આખરે તો માણસને દુ:ખી જ કરે છે…! શ્રી કૃષ્ણ પરમાત્મા ખૂબ જ સરછતાથી ભ્રષ્ટાચાર એટલે કે અન્યાય અને અનીતિપૂર્વક ધનસંચયની જનેતા વિશે श्रीमद् भगवद्गीता દૈવાસુરસંપદ્વિભાગયોગના ૧૨ માં શ્લોકમાં સમજાવે છે…
आशापाशशतैर्बद्धा काम क्रोधपरायणाः ।
ईहन्ते कामथोगार्थमन्यायेनार्थ संचयान् ।।
આશાના સેંકડો બંધનોથી બંધાયેલા એ માણસો કામ અનરે ક્રોધને પરાયણ થઈને વિષયભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવા પ્રયત્નો કર્યા કરે છે.
ભગવાનના આ શબ્દોથી એ વાત સ્પષ્ટ ભાય છે કે, જે વ્યક્તિને અનેક આશાઓ એટલેકે કામનાઓ ઈચ્છાઓથી ભરેલો છે.. તેવી વ્યક્તિનીનો ઈચ્છાની પૂર્તિ થઈ જાય તો તે ભોગ ફરીથી ભોગવવાનું મન થશે એટલે કે ‘કામ’ ઉત્પન્ન થશે.. અને જો તે ઈચ્છા ફળીભૂત ન થાય તો ‘ક્રોધ’ને જન્મ આપશે. અને ભગવાન કહે છે કે જે મનુષ્ય કામ અને ક્રોધ પરાયણ હોય તે મનુષ્ય જ અન્યાયથી ધન વિગેરે પદાર્થો ભેગા કરવા પ્રયત્નો કરે છે. આમ, કામ અને ક્રોધના આવેગો મનુષ્યને ભ્રષ્ટાચાર કરાવે છે.અને અનેક પ્રકારની આશાઓ,ઈચ્છાઓરૂપી બંધનથી કામ અને ક્રોધ જન્મે છે. તેથીજ આગળ કહ્યું તેમ જો આપણે આપણા ચિત્તમાં નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત નહીં કરીયે તો આશાઓના બંધન ટાળી શકીશુ નહિં અને જો આશાના પાસથી બંધાયેલા છીએ તો અન્યાયપૂર્વક અર્થસંચયની પ્રવૃત્તિ થઈ જ જાય.

માટે ભારત વર્ષને અવનતિમાંથી બચાવવા માટે આપણા સૌનાં જીવનમાં નૈતિક મૂલ્યો નિર્માણ કરવા પડશે. અને ઉચ્ચ નૈતિક જીવન જ રાષ્ટ્ર ઉન્નતિ કરી શકશે એ પરમ સત્યનો સ્વીકાર કરી એવું જ જીવન જીવતાં થઈયે તો જ આવા કૌભાંડ કે ભ્રષ્ટાચાર ઓછા થાય…
સબકો સન્મતિ દે ભગવાન…..
મેરા ભારત રહે મહાન…..
ચિનગારી
સ્નેહ હેત ને કરુણાનાં જયાં; કલ કલ ઝરણા હાસ્ય કરે.
પ્રીત પાલવે રોજ આવીને; સિંદૂર વરણી સાંજ ઢળે.
ખમિરવંત ઘોડા ખલે ને;પડઘમની જયાં થાપ પડે.
ધન્ય ધન્ય ભારતની ધરા;તારી આભે કિર્તિ ધજા ચડે.
તારી આભે કિર્તિ ધજા ચડે…
–ધર્મેન્દ્રસિંહ રણા
http://www.prernapiyush.wordpress.com
email: manusmruti@gmail.com
Contect: 09427582895

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: