જનનીની જોડ સખી નહી જડે રે લોલ

માતૃવંદના

માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ.પરંતુ જન્મ આપનારી જનેતા એ માતૃત્વનાં તમામ તત્વોમાં બેજોડ છે. એક માણસનો બીજા માણસ સાથેનો સંબંધ બંધાતાની સાથે જ જગતમાં સમાજ અસ્તિત્વમાં આવ્યો.. અને આજે સામાજીક સંબંધો અગે અનેક શાસ્ત્રો રચાઈ ચૂક્યા છે… અને સંબંધો અંગે અનેક વિવાદો ચર્ચાઓ ચાલી રહી છે. સ્ત્રીપુરુષનાં સંબંધે તો દૂનિયાભરમાં કાગારોળ મચાવી છે. અને જાતજાતનાં સંબંધો અંગે હક્કોની માંગણી પણ કરવામાં આવી રહી છે.પરંતુ જગતનાં તમામ સમાજશાસ્ત્રીઓએ એક બાબતે એકમત થવું પડે તેમ છે.. અને તે બાબત અટલે જગતભરમાં માનવીય સંબંધોમાં નહિવત્ સ્વાર્થ અને હજારો ઘણા પ્રેમનો જો કોઈ સંબંધ હોય તો તે છે.. માતા અને તેનાં સંતાનનો સંબંધ…

જયારે જયારે મને મારૂ બાળપણ યાદ આવે ત્યારે અચૂક અનેક વિપત્તિઓ.. સમાજની ઠોકરો… અને એવા એવા દુઃખો કે જેનો અત્યારે આપણે વેઠવાની વાત બાજુ પર રહે પણ વિચાર કરતા જ મોટી આફત આવી પડી હોય તેવો અહેસાસ થાય તેવા દુઃખો સહન કરીને મને સમાજની નજરમાં પ્રતિષ્ઠિત બનાવવાનાં પ્રયાસરૂપે હાડ ઓગાળનારી મારી મમ્મી અચૂક જ યાદ આવી જાય… એના દેહાવસાનને ઘણા વર્ષો વીત્યા પણ હજીએ એ મારી સ્વપ્નસૃષ્ટિમાં અચૂક આવી જાય છે. અને સમાજ અને સંસારની કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે એનું જીવન અને એ જનેતાનાં કર્તવ્યો યાદ કરતા જ નવું જોમ આવી જાય છે.

હમણા જ થોડા દિવસ પહેલા મારી દિકરી દેવાંશીએ મને પુછયુ કે, પપ્પા શાળામાં કવિતાપઠન કરવાનું છે; કયું કાવ્ય વાંચું..અને મને જે પહેલુ કાવ્ય એના માટે સ્ફુર્યુ તે હતુ, કવિશ્રી બોટાદકરનું કાવ્ય… જેની એક એક પંકતિઓ જન્મદાત્રી માતાનાં વ્યક્તિત્વને બાંધી આપે છે. સાથે સાથે કવિએ જગતનાં જે કોઈ સુંદર પદાર્થો.. છે તે તમામની જનેતા સાથે સરખામણી કરીને ખૂબ જ સુંદર રીતે સાબિત કર્યું કે.. જનનીની જોડ સખી નહી જડે રે લોલ…

ગુજરાતી કવિ દુલાભાયા કાગે કહ્યુ. કે…

મુખથી બોલું માં ત્યારે મને સાચે જ બચપણ સાંભરે..

પછી મોટાપણાની મઝા બધી કડવી લાગે કાગળા..

આપણી સંસ્કૃતિનો આધારસ્થંભ એવા ઉપનિષદને જોઈએ તો તૈત્તરિય ઉપનિષદ કહે છે.. માતૂદેવો ભવ.. માતાને દેવ માન..જગતનાં તમામ સાંસારિક સંબંધોમાં સર્વ શ્રેષ્ઠ એવો માઘદિકરા નો સંબંધ છે.. ગુજરાતી સાહિત્યનાં કવિ બોટાદકરે માતૃવંદના કરતા રચેલું કાવ્ય આપની સમક્ષ રજુ કરુ છુ.

 મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ..

 મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: